આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારે કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યક્રમ કર્યા પછી. ભોળાનાથના નામનો દીવો પ્રગટાવી ૧૦૦ ગ્રામ સાકર લઈને મહાદેવજીના મંદિરે જવાનુ હોય છે. ત્યાર બાદ મંદિરે જઈ સાકરના ચાર સરખા ભાગ કરવાં અને કથા સાંભળવી. આખો દિવસ ઉપવાસ કરવો અને પ્રસાદમાં સાકરનો એક ભાગ સવારે એક ભાગ બપોરે અને એક ભાગ સાંજે ખાવો તથા જે ચોથો ભાગ વધે તે પ્રસાદ તરીકે બધાને વહેચી દેવો.
*
એક ગામમાં એક કોઢીઓ બ્રાહ્મણ રહેતો હતો. એના આખા શરીરે સફેદ કોઢ નિકળેલા હતાં. તો પણ એને પરણવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આવા કોઢીયા બ્રાહ્મણને કોણ કન્યા આપે. ? એટલે એક મોટા પંડિત પાસે ગયો અને પંડિતને કોઢ મટાડવા માટે નો ઉપાય પુછવા લગ્યો.
એ વિદ્વાન પંડિતે આ કોઢીયા બ્રાહ્મણને સોળ સોમવારનું વ્રત કરવાં જણાવ્યુ.
કોઢીયા બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત કર્યુ. અને જોત જોતામાં આ કોઢીયા બ્રાહ્મણના કોઢ મટી ગયા. અને એની કાયા કંચન જેવી થઈ ગઈ. ત્યારબાદ આ બ્રાહ્મણના લગ્ન એક સુદર બ્રાહ્મણી સાથે થઈ ગયા. વ્રતના પ્રતાપે એની તમામ ઈચ્છાઓ પુર્ણ થઈ અને સુખ ચેન સાથે આ બ્રાહ્મણ જીવન પસાર કરવા લાગ્યો.
પરંતુ સમય ક્યારેય એક સરખો ચાલતો નથી. એક વર્ષે ચોમાસામાં ઘણો વરસાદ પડ્યો. ગામમાં ઘણાં ઘરો પડી ગયા. ઢોર પણ મરી ગ્યાં ખેતરોમાં ઉભો પાક ખરાબ થઈ ગયો અતિવૃષ્ટીના કારણે આખા ગામને ખુબ નુકસાન આવ્યુ.
આ વધુ પડતા વરસાદમાં આ બીચારા બ્રાહ્મણનું ઘર પણ પડી ગયુ. ગામના સારા સારા માણસો તથા ખેડૂતોની હાલત પણ કફોડી બની હતી. એટલે બ્રાહ્મણની આવક પણ બંધ થઈ ગઈ હતી. તેમ છતાં એણે પરિશ્રમ કરીને પોતાના પડી ગયેલા ઘરની જગ્યા પર એક નાનકડી ઝૂપડી ઉભી કરી અને સુખે દુઃખે એ ઝૂપડીમાં દિવસો પસાર કરવા લાગ્યો. દિવસે દિવસે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ રહી હતી એટલે એક દિવસે બ્રાહ્મણે એની પત્નીને કહ્યુ કે,
“ તું કે’તી હોય તો હું બહારગામ કમાવા માટે જઉ ! ”
પત્નીએ પણ કહ્યુ કે,
“ હા જાવને ! અહી ભુખ્યા કયાં સુધી બેસી રહેશું. ? ”
એટલે બ્રાહ્મણ ત્યાંથી પત્નીને ઝુંપડીમાં એકલી મુકીને કમાવા માટે ચાલી નિકળ્યો. રસ્તામાં બ્રાહ્મણને એક સંત મહાત્મા મળ્યા. બ્રાહ્મણે આ સંતની ખુબ સેવા કરી. એટલે મહાત્માએ આ બ્રાહ્મણને એક ગુટિકા આપી. અને કહ્યુ કે,
“ આ ગુટિકા ઘસીને પિવડાવવાથી મરેલો માણસ પણ સજીવન થશે. ”
બ્રાહ્મણ મહાત્માએ આપેલ ગુટિકા અને મહાત્માના આશિર્વાદ લઈને ત્યાથી રવાના થયો.
ધન કમાવાની ઈચ્છા લઈને નિકળેલો આ બ્રાહ્મણ એક નગરમાં આવી પહોચ્યો. ત્યાં એણે જોયુ તો ચારે તરફ શોક ના વાદળ ફરી વળ્યા હતા. બ્રાહ્મણે કોઈને પુછતાં જાણવા મળ્યુ કે ,
“ એ નગર ના રાજાની એક ની એક કુંવરીનું આજે અવસાન થયુ છે. એટલે સર્વે નગર જનો શોકાતુર બન્યા છે.”
આ જાણીને એ તરત જ રાજ મહેલમાં પહોચ્યો અને રાજાને મળીને મહાત્માએ આપેલ ગુટિકા વિષે જણાવ્યુ. એટલે રાજાએ કહ્યું કે,
“ ભાઈ ! મરેલું માણસ કોઈ દિવસ સજીવન થાય ખરૂ ! “ છતાં પણ તું કહે છે તો આપણે એક અખતરો કરી જોઈએ.
ભલે ! મહારાજ ! કહીને બ્રાહ્મણે રાજાના સેવક પાસે પાણી મંગાવ્યુ , પાણી આવ્યુ એટલે પથ્થરને ધોઈ ને તેના પર ગુટિકા ઘસી અને તેનો રસ રાજાની મૃતક કુંવરીના મુખમાં રેડ્યો.
પણ શું ચમત્કાર ! થોડી જ વારમાં રાજાની કુંવરીના શરીરમાં ચેતના આવી. એ આળસ મરડીને બેઠી થઈ. અને સૌની સામે ટ્કર ટ્કર જોવા લાગી.
રાજા રાણી તો આ બ્રાહ્મણ ઉપર ખુબ જ ખુશ થયા અને બ્રાહ્મણને પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો અને ખુબ આગતા સ્વાગતા કરી.
ત્યારે આ બાજુ બિચારી બ્રાહ્મણી સુખે દુઃખે માંડ માંડ પોતાના દિવસો પસાર કરી રહી હતી. એને પેટ પુરતું ખાવાનું પણ મળતું નથી.
એવામાં શ્રાવણ મહિનો આવ્યો. ગામની સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા માટે જતી હતી. આ બધી સ્ત્રીઓને વ્રત કરતાં જોઈ આ દુઃખી બ્રાહ્મણીએ પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અને પહેલો સોમવાર ભોળાનાથની ભક્તિ કરવામાં ગાળ્યો. પરંતુ ઘરમાં અનાજનો એક પણ દાણો ન હ્તો એટલે એકટાણું કેવી રીતે કરે ? એ તો બિચારી ભગવાનુ સ્મરણ કરતી કરતી ભૂખી તરસી બેસી રહી હતી.
એવાંમાં ગામના નગરશેઠને ઘેર કુંવરનો જન્મ થયો. તો આ નગરશેઠે આખા ગામમાં સાકરનાં પડીકા વહેચ્યા. એટલે એક સાકરનું પડીકુ આ બ્રાહ્મણીને પણ મળ્યુ એણે એ સાકરના પડિકામાથી થોડીક સાકર ખાધી અને વધેલી સાકરનુ પાણી કરીને પીધુ. ત્યારે એને થોડી ટઢક મળી.
એ રાત્રે મહાદેવજીએ આ બ્રાહ્મણીના સ્વપનામાં આવીને કહ્યુ કે,
“ હે બ્રાહ્મણી ! તે જાણે અજાણે સાકરિયા સોમવારનું વ્રત કર્યુ છે., પરંતુ જો આ વ્રત તુ વિધિ પુર્વક કરીશ તો તને એનું ઉત્તમ ફળ મળશે. હુ તારી ભક્તિથી ખુબ જ પ્રસન્ન છું. “
બ્રાહ્મણીએ સ્વપ્નમાં મહાદેવજીને કહ્યુ કે,
“ પણ આ વ્રત મારે કેમ કરવું ? તેની મને ખબર નથી. “
મહાદેવજી બોલ્યા,
“ હે બ્રાહ્મણી ! શ્રાવણ માસ ના ચારેય સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્યક્રમ થી પરવરીને મારા નામનો દીવો કરજે, પછી ૧૦૦ ગ્રામ સાકર લઈ મંદિરે જજે. ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરવાના. એમાંનો એક ભાગ મહાદેવજીને બીજો રમતા બાળકોને અને ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખવાનો અને ચોથો ભાગ નદી તળાવમાં પધરાવી દેવાનો. વળી એ દિવસે નકોરડો ઉપવાસ કરવાનો અને તરસ લાગે તો સાકરનુ પાણી પીવાનું. એ દિવસે મહાદેવજીની કથા સાંભળવાની અને સાંભળતાં “ જય મહાદેવજી ! ” એમ હુંકારો ધરવાનો. સાંજ પડ્યે મહાદેવજીની પુજા કરવાની અને આરતી કરવાની. રાત્રે જમીન પર શેતરંજી પાથરીને સુઈ રહેવાનું. આ રીતે સોળ સોમવાર સુધી વ્રત કરવાનું અને વ્રત પુરૂ થાય એટલે તેનુ ઉજવણુ કરવાનું
ઉજવણીમાં સવાશેર ઘઉનો લોટ લેવાનો એમા સવાશેર ઘી સવાશેર ગોળ ભેળવી ચાર લાડુ બનાવવા. એમાથી એક લાડુ મહાદેવજીને પ્રસાદ ધરાવવાનો બીજો લાડુ બાળકોને આપવો. ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વહેચી દેવો તથા ચોથો લાડુ પોતાના માટે રાખવાનો. પણ રાત પડતાં પહેલા આ બધુ કામ પતાવી દેવાનું બીજે દિવસે લાડુ વધવો જોઈએ નહિ. “
બ્રાહ્મણીને તો સ્વપનાની વાત યાદ રહી ગઈ. અને સોળ સોમવાર સુધી એણે વિધિ પુર્વક વ્રત કરવાનું ચાલુ કર્યુ.
બીજે જ દિવસે પેલા રાજાએ બ્રાહ્મણને ભેટમાં જર – ઝેવરાત અને મોટુ ધન આપી ને વિદાય કરી. બ્રાહ્મણ આ ધન લઈને થોડા જ સમયમાં ઘરે આવી પહોચ્યો
ઘરે આવ્યા પછી બ્રાહ્મણીએ બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની વાત કહી, આથી બન્ને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા બન્ને પર મહાદેવજીની કૃપા વરસી. એ બન્ને ને કોઈ વાતનું દુઃખ રહ્યુ નહિ. બ્રાહ્મણીએ વ્રત પુરુ કર્યુને વ્રતનું ઉજવણું કર્યુ.
થોડા જ સમયમાં બ્રાહ્મણીને સારા દિવસો રહ્યા અને મહાદેવજીની કૃપાથી એ બ્રાહ્મણીએ સરસ મજાનો કુંવરને જન્મ આપ્યો. અને એ બન્નેના જીવનમાં આનંદ છવાઈ ગયો.
હે મહાદેવજી ! આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું વ્રત જેવુ ફળ્યુ એવું સૌને ફળજો.
નમઃ શિવાય ! નમઃ શિવાય ! નમઃ શિવાય !


No comments:
Post a Comment