વ્રતની વિધિ :
આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી કરવાનું હોય છે. દર સોમવારે ભોળાનાથને એકી સંખ્યામાં બીલીપત્ર ચડાવવામાં આવે છે અને પૂજન કરવામાં આવે છે. પછી ભાખરીનું નૈવેધ ધરાવવામાં આવે છે. ઉપવાસ કરવામાં આવે છે અને ભાખરીનો લાડું બનાવીને એકટાણુ કરવામાં આવે છે.
વ્રતની વાર્તા :
એક ગામ હતુ.
એ ગામમાં સોમાનાથ નામનો એક બ્રાહ્મણ અને શાંતા નામે તેની પત્ની બન્ને રહેતા હતા. પતિ દયાળુ હતો ને પત્ની ગુણવાન પતિવ્રતા સ્ત્રી હતી. એ સાચા મનના ભાવથી પતિની સેવા કરતી.
ગામડામાં એમને સારી કમાણી હતી નહિ, એટલે એમની પરિસ્થિતિ પણ સારી ન હતી. છતાં પણ તેઓ એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા હતા.
એક દિવસની વાત છે.
એ દિવસે આ સોમનાથ બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહિ, એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બન્ને મુંજાયા કે આજે શું ખાવુ ? અને ભુખ્યા માણસને ખવડાવવું શું?
આખરે ખુબ જ વિચાર કર્યા બાદ તેઓએ મહાદેવજીની આરાધના કરવાનો સંકલ્પ કર્યો.
બ્રાહ્મણે એકવીસ દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી. પરંતુ મહાદેવજી પ્રસંન્ન થયા નહિ. આખરે તેઓએ ભક્તિ પડતી મુકી ને બેસી રહ્યા.
એક દિવસ મહાદેવજી સન્યાસીનો વેશ ધારણ કરીને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરી ઉભા રહ્યા.
પરંતુ બ્રાહ્મણ પાસે આપવા જેવું કંઈ જ ન હતુ. એ બીચારો શું આપવુ એની ચિંતામાં પડી ગયો. સોમનાથ બ્રાહ્મણ આ સન્યાસીના પગે પડી ગયો અને પોતાની ગરીબીની વાત કરી. એટલે સન્યાસી સ્વરૂપે આવેલ ભગવાન બોલ્યા :
“ હે બ્રાહ્મણ ! તમે ભાખરીયા સોમવારનું વ્રત કરો તો તમારૂ આ દુઃખ જરૂર મટશે. ” આટલુ કહી વ્રતની વિધિ જણાવી ને સન્યાસી વેશે આવેલા ભોળાનાથ અદ્ર્શ્ય થઈ ગયા.
ગરીબ બ્રાહ્મણ - બ્રાહ્મણી મોર મેહુલાની રાહ જુએ એમ શ્રાવણ માસ ની રાહ જોવા લાગ્યા.
થોડા સમય બાદ શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ ના પહેલા સોમવારથી જ સન્યાસીના કહ્યા પ્રમાણે વ્રત ચાલુ કર્યુ.
સવારે વહેલા ઉઠી નહાઈ ધોઈ ને મહાદેવજીનો દીવો કર્યો. પછી મહાદેવજીના મંદિરે જઈને મહાદેવજીનું પુજન અર્ચન કરી પાંચ બીલી પત્ર ચડાવ્યા. નૈવેધમાં ૫૦૦ ગ્રામ લોટ લઈ તેમાંથી પાંચ ભાખરીઓ બનાવી. એક ભાખરી નૈવેધની રાખવી, બે ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના બાળકો ને આપવી. બાકી વધેલ ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવાની.
આવી રીતે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ભાખરિયા સોમવારનું વ્રત કર્યુ.
આ વ્રતના પ્રતાપે દિવસે દિવસે એમની સ્થિતિ સુધતી ગઈ.
ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી સોમનાથ બ્રાહ્મણ અને શાંતા બ્રાહ્મણી થોડાજ સમયમા સુખી થઈ ગયા અને શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા.
માટે જે કોઈ આ ભાખરિયા સોમવારનું વ્રત કરશે કથા વાર્તા વાંચશે સાંભળશે તેની મનોકામના મહાદેવજી પુર્ણ કરશે.
નમઃ શિવાય ! નમઃ શિવાય ! નમઃ શિવાય !


No comments:
Post a Comment