આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવના મંદિરે જવું. ત્યાં શિવ – પાર્વતીજીની પુજા કરવી. એકટાણુ કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને મહાદેવજી મહાદેવજી એમ કહેવુ જોઈએ.
મહાદેવજી અને પાર્વતીજી !
પોતાના મંદિરમાં બેઠાં છે અને બેઠાં બેઠાં ચોપાટ (ચોખટા) રમે છે. આ રમત તપોધન બ્રાહ્મણ જોવે છે. એને કોણ હાર્યુ અને કોણ જીત્યુ એ કહેવાની સુચના મહાદેવજી અને પાર્વતીજીએ આપી.
પ્રથમવાર પ્રભુ ભોળાનાથ આ રમત જીતી ગયા. અને બ્રાહ્મણને પુછ્યું , “ કોણ હાર્યુ ? કોણ જીત્યું ? “
“ ભગવાન ! આપ જીત્યા છો અને માતાજી હાર્યા. “ બ્રાહ્મણે કહ્યુ.
બીજીવાર માતાજી જીત્યા ને બ્રાહ્મણને પુછ્યું : , “ કોણ હાર્યુ ? કોણ જીત્યું ? “
“ ભગવાન ! આપ જીત્યા છો અને માતાજી હાર્યા. “
ત્રીજી વાર પણ માતા પાર્વતીજી જીત્યા ને બ્રાહ્મણ ને પુછ્યુ :
” બોલો બ્રાહ્મણદેવ કોણ હાર્યુ ને કોણ જીત્યુ ! ”
“ ભગવાન ! આપ જીત્યા છો અને માતાજી હાર્યા. “
આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠૂં બોલ્યો , કારણ કે એને તો ભોળાનાથને જ રાજી કરવા હતા.
આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે , “ હે બ્રાહ્મણ ! ત્રણ બાજી માંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જુઠૂં બોલ્યો , એટલે મારો તને શ્રાપ છે કે તને આખા શરીરે કોઢ ફુટી નિકળે.”
અને તરત જ બ્રાહ્મણને આખા શરીરે કોઢ ફુટી નિકળ્યા
બ્રાહ્મણ કોઢથી પીડાતા પોતાને શાપ માંથી મુક્તિ મેળવવા માટે ત્યાં જ ભોળાનાથ અને પાર્વતીજી બન્નેને આજીજી કરવા લાગ્યો. અને પોતાની ભુલની માફી માંગવા લાગ્યો. પરંતુ આ શાપ તો દેવી પાર્વતીએ આપ્યો હતો , એટલે કંઈ થઈ શક્યુ નહિ.
બ્રાહ્મણ ત્યાથી ઉભો થયો અને રડતો રડતો ચાલી નિકળ્યો.
તપોધન બ્રાહ્મણ માતાજીના શાપને લીધે કોઢીઓ તો થયો જ પણ તેની સાથે સાથે અનેક પ્રકારના દુ:ખોએ તેને ઘેરી લીધો. એક સાધુ મહારાજ આગળ આ બ્રાહ્મણે પોતાના દુ:ખો ના નિવારણ માટે વિગતે જણાવ્યુ કે કેવી રીતે માતાજીએ એને શાપ આપ્યો અને હાલ તે કેવી પીડા ભોગવી રહ્યો છે. સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવા જણાવ્યું. આથી બ્રાહ્મણ કૈલાસ પર્વત પર શંકર ભગવાનની તપસ્યા કરવા ચાલી નિકળ્યો.
તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગની ગાય મળી. એણે બ્રાહ્મણને ઉભો રાખ્યો અને પુછ્યું :
” હે તપોધન બ્રાહ્મણ ! તમે કેમ રડી રહ્યા છો ? અને આમ રડતાં રડતાં ક્યા જઈ રહ્યા છો ? “
આથે આ ગાયને બ્રાહ્મણે માંડીને બધી વાત કરી.
આ સાંભળીને ગાય બોલી :
ભાઈ ! હું પણ ઘણી દુ:ખી છુ. મારા આંચળ દુધથી ફાટ ફાટ થાય છે. મને કોઈ દોહતુ નથી. અને મારા વાછરડાં મને ધાવતા પણ નથી. માટે હે બ્રાહ્મણ દેવ મારા પાપનું નિવારણ પણ પુછતાં આવજો.
“ સારૂ, ” કહીને એ તો આગળ વધ્યો,
ત્યાથી થોડેક આગળ ગયો ત્યાં તો એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુ:ખી હતો છતાં એણે બ્રાહ્મણને પુછ્યું,
“ હે તપોદન બ્રાહ્મણ ! આપ આમ રડતાં રડતાં ક્યા ચાલ્યા ? ”
અને બ્રાહ્મણે ઘોડાને બધીવાત માંડીને કહી સંભળાવી એટલે ઘોડો બોલ્યો :
” અરે ભાઈ ! હું આવો રૂપાળો અને કદાવર છુ. છતાં કોઈ મારી ઉપર સવારી કરતુ જ નથી. તો મારા પણ પાપનું નિવારણ આપ પુછતા આવજો. “
“ સારૂ ! ” કહીને બ્રાહ્મણ આગળ વધ્યો.
થોડેક દુર જતાં જ ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા પર કેરીના લુમખા ને લુમખા હતાં.
આ બ્રાહ્મણ થાક ઉતારવા માટે આ આંબાના વૃક્ષની છાયામાં બેઠો.
આંબાના વૃક્ષે પણ આ બ્રાહ્મણ ને એજ સવાલ પુછ્યો અને બ્રાહ્મણે જવાબ આપ્યો
ત્યારે આંબાએ કહ્યુ : “ હે ભાઈ ! મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે. પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી. તો મારા પણ પાપનું નિવારણ આપ પુછતા આવજો. “
“ સારૂ ! ” કહીને બ્રાહ્મણ આગળ વધ્યો.
થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું આ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પુછ્યો અને બ્રાહ્મણે પણ એનો એ જ જવાબ આપ્યો .
ત્યારે મગરે કહ્યુ , :
” ભાઈ ! હું તળાવમાં રહું છું છતાં મારા દેહમાં બરતળા થાય છે. ” તો મારા પાપનું નિવારણ પણ પુછતા આવજો.
“ ભલે “ કહીને બ્રાહ્મણ આગળ ચાલ્યો. અને હિમાલય માં કૈલાસ પર્વત પર આવીને એક ઝાડ નીચે તપ કરવા લાગ્યો.
બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસંન્ન થયા. અને પુછ્યું : “ બોલ ભાઈ ! તારી શું ઈચ્છા છે ? ”
“ ભગવાન ! મને માતાજીના શાપ માંથી ઉગારો અને મારા કોઢનું નિવારણ કરો.”
ભાઈ આના માટે એક જ રસ્તો છે. અને તે એ છે. કે જો તું સોળ સોમવારનું વ્રત કરે તો તારા કોઢ દૂર થશે .”ભગવાન ! મારે આ વ્રત કેવી રીતે કરવું ? “
શિવજી બોલ્યા : જો સાંભળ :
આ વ્રતની શરૂઆત શ્રાવણ માસ ના પ્રથમ સોમવારથી થાય છે. અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલાં ઉઠી. નાહી ધોહી .ચાર દોરા ને ભેગા કરી. થોડા થોડા અંતરે એક એક કરી ને ચાર ગાંઠો વાળવાની. ત્યાર બાદ એ દોરો ગળામાં પહેરી લેવો. ત્યાર બાદ મહાદેવજીના શ્રાધ્ધા પુર્વક દર્શન કરવાના અને સોમવારે એકટાણું કરવાનું. આમ, શ્રાવણ, ભાદરવો, આસો, અને કાર્તક માસ નો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય. ત્યાં સુધી સોમવાર કરવાનાં હોય છે.
સોળમાં સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉનાં લોટના લાડવા બનાવવા. એમા સવાશેર ઘી. સવાશેર ગોળ નાખવો. આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવા. આ ચાર ભાગ માંથી એક ભાગનાં લાડું મંદિરના પુજારીને આપજે , બીજો ભાગ રમતાં બાળકો ને આપજે. ત્રીજો ભાગ ગાયોના ગોવાળ ને આપજે . ચોથા ભાગનો લાડું ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો . આમ કરતાં પણ જો લાડું વધે તો એને જમીનમાં દાટી દેજે.
આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું .
આ વ્રત જો સાચા ભાવથી શ્રધ્ધા રાખીને કરવામાં આવશે તો જરૂર વ્રત ફળશે ને તારી કાયા કંચન સમી થઈ જશે.
આ કોઢીઓ તપોધન બ્રાહ્મણ તો ભગવાનને પગે લાગ્યો. – પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે ભગવાને જવાબ આપ્યો કે ,
“ ભાઈ ! એ ગાય આગલા જન્મમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતાં બાળકોને પણ જૂદા પાડતી હતી. આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે , તુ એના આંચળમાંથી દુધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દુર થઈ જશે ”
ત્યાર બાદ બ્રાહ્મણ દ્વારા ઘોડાના દુ:ખનું નિવારણ પુછતાં ભગવાને જવાબ આપ્યો કે ,
“ ભાઈ ! આ ઘોડો આગલાં જન્મમાં એક વાણિક વેપારી હતો. તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો. અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો હતો. જો તું એની પર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય. “
પછી બ્રાહ્મણે આંબાની તકલીફ વિષે જણાવ્યું , તો ભગવાને કહ્યુ : ગયા જનમે એ ખુબ લોભીયો હતો એ ખુબ જ લોભ કરતો હતો અને કોઈ પણ પ્રકાર નું દાન પુણ્યકરતો ન હતો. એ આંબાની નીચે ધન ના ચરૂઓ દાટેલા છે. એ કાઢીને જો એ ધન તુ સત્કાર્યમાં વાપરે તો એની બધી મુશ્કેલીઓ દુર થશે.
પછી બ્રાહ્મણે મગરની તકલીફ વિષે જણાવ્યુ : તો ભગવાને કહ્યુ કે એ મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્રવિધ્યા શિખવાડતો જ નહિ, આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તુ મારા પર ચડેલુ બીલી પત્ર એની આંખે અડાડીશ તો એની પીડા દૂર થઈ જશે. “
આ બધાના દુ:ખનું નિવારણ તપોધન બ્રાહ્મણે જાણી લીધુ, એને ભોળાનાથને નમન કર્યા પછી એણે ભગવાનને ચડાવેલુ એક બીલી પત્ર લીધુ અને ચાલી નિકળ્યો.
રસ્તામાં આવતાં જ પ્રથમ તળાવ આવ્યું. તળાવનાં કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો. આવતાં જ એણે બ્રાહ્મણને પુછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો :
“ લે ! આ મહાદેવે બીલીપત્ર આપ્યું છે એ તારી આંખે અડાળું છું, એટલે તને સારૂ થઈ જશે. ”
આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બીલી પત્ર અડાળ્યું એટલે મગરની પીડા ઓછી થઈ ગઈ.
ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો ને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડીક વાર થાક ખાઈને પછી આંબા નીચે થી ચરૂ ખોદી કાઢ્યા. આ ધન સત્કાર્યમાં વાપરવાનો સંકલ્પ કરી ને એક કેરી તોડીને ખાધી તો એને અમૃતનો ઓડકાર આવી ગ્યો.
ત્યાથી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં તો પેલો ઘોડો બ્રાહ્મણની રાહ જોતો ઉભો હતો.
બ્રાહ્મણે એ ઘોડા પર સવારી કરી અને જણાવ્યુ કે ભાઈ ! તારા પાપનું નિવારણ થઈ ગયું છે. અને હવે તારી જે મનોકામના હશે તે પુર્ણ થશે.
ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી
બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને તેને દોહીને તેનું દુધ એક પાત્રમાં લઈ ભોળાનાથ ભગવાનનો આ દુધ થી અભિષેક કર્યો. આથી તરત જ ગાયની પીડા શાંત થઈ ગઈ. અને બધા વાછરડાં રમતાં રમતાં આવીને ગાયને ધાવવા લાગી ગયા.
ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો ને શ્રાવણ ના પહેલાં સોમવારથી વ્રત ચાલુ કર્યુ. જોત જોતામાં ચાર મહિના પુરા થઈ ગ્યાં અને કારતક મહિનો આવ્યો કારતક મહિના ના છેલ્લા સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યુ, ત્યાંતો બ્રાહ્મણ ના શરીરના કોઢ સંપુર્ણ રીતે મટી ગયા અને એનુ શરીર રાજકુમાર જેવુ થઈ ગયુ.
પાર્વતીજીના શાપ થી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પારે આવ્યો. ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો.
એમાં દેશ પરદેશ થી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા.
આવીને બ્રાહ્મણે કોઈને પુછ્યુ : “ ભાઈ ! આ શું છે? “ આ બધી શેની ધમાલ છે ?
ત્યારે એને જવાબ મળ્યો : “ આપણાં રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે. એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. “
એ તો મંડપની પાસે ઉભો ઉભો જોતો હતો એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનો કળશ હતો.
આમ આ હાથણી ફરતી ફરતી ત્રણ ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજ કુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવી એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો.
આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા.
પહેરામણીમાં રાજાએ સોનુ રૂપું હીરા, માણેક, મોતીના દાગીના રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડાઓ આપ્યા.
બ્રાહ્મણ તો રાજ કુંવરીને પોતાની પત્ની બનાવીને પોતાના ઘેર આવ્યો.
આ બધુ મહાદેવજી ની કૃપાનું ફળ હ્તું.
એવાંમાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો. એની પત્ની રાણી બની.
જોત જોતામાં કારતક માસ પુરો થવા આવ્યો અને સોળમો સોમવાર આવી પહોચ્યો બ્રાહ્મણ રાજાએ ફરીથી સોળ સોમવારનું વ્રત કર્યુ અને સોળમા સોમવારે વ્રતનું ઉજવણું કર્યુ.
ત્યારે રાણીએ બત્રીસ જાતના પકવાન કર્યા અને બીજી ઘણી ઘણી વાનગીઓ બનાવી.
આથી રાજા રાણી ઉપરા ગુસ્સે થયો, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાઇ ખવાય નહિ, એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઉભો થૈ ગ્યો.
એ જ રાતે મહાદેવજી રાજા ના સ્વપ્નામાં આવ્યા અને કહ્યુ કે, “ હે રાજા ! તારી રણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો અપરાધ કર્યો છે. માટે એને તુ એક વખત દેશવટો આપી દે, એટલે એનુ અભિમાન ઉતરી જશે. ”
બીજા દિવસે સવારે રાજાએ મહાદેવજીના કહ્યા પ્રમાણે રાણીને દેશવટો આપી દીધો અને રાજ્ય બહાર તગેડી મુક્યા. રાણી તો ચોધાર આંસુએ રડવા લાગી.
રાણી રડતી રડતી એક ગામને પાદરે પહોચી ગ્યા. ત્યા તેમણે જોયુ કે એક જૂંપડીમાં એક ડોશી રેંટીયો કાંતતી હતી. રાણીએ ડોશી પાસે જઈને પાણી માગ્યું. ડોશી ભલી હતી એટલે એણે ઉભા થઈને રાણીને પાણી આપ્યુ, અને રાણીનું દુ:ખ સાંભળ્યું અને ડોશીએ રાણી પર દયા ખાઈને પોતાની ઝુપડીમાં રહેવા માટે આશરો આપ્યો.
પણ આથી ડોશીના કામમાં નુકશાન થવા લાગ્યું. ડોશીના તાર વારંવાર ટુટી જવા લાગ્યા અને હંમેશ કરતા ઓછુ સુતર કંતાવા લાગ્યુ. આથી ડોશીએ રાણી ને અપશુકનીયાર ગણીને કાઢી મુકી.
રાણી ચાલતી ચાલતી એક કુવા ના કાંઠે આવી. ત્યા એક પનિહારણ પાણી ભરી રહી હતી. તો રાણીએ એ પનીહારણ પાસે પાણી પીવડાવવા માટે વિનંતી કરી. આથી પનિહારણે માટલુ કુવામાં ઉતાર્યુ. પણ માટલુ કુવાની દિવાલ સાથે અથડાયુ અને ભાંગી ગયુ આથી પનિહારણે રાણીને અપશુકનિયાળ ગણી ને પાણી પાયા વગર જ ત્યાંથી કાઢી મુકી.
ચાલતાં ચાલતાં રાણી આગળ ગઈ. ત્યાં એક મહાત્માની મઢી આવી . આ સંત મહાત્માએ રાણી ને રહેવા માટે આશરો આપ્યો. આ મહાત્માએ રાણીને જમવા બેસાડીને ભોજન પીરસ્યુ. થાળી રાણી ને આપી કે તરત જ થાળી માંનુ ભોજન જીવડાં થઈ ગયુ.
મહાત્મા જ્ઞાની હતા એટલે આવુ થવાનું કારણ તેઓ તરત જ સમજી ગયા. અને મહાત્માએ રાણીને કહ્યુ : “ બેટી ! તુ મહાદેવની દોષીત છે. માટે તુ મહાદેવનું વ્રત કર. ”
અને રાણીને વ્રતની વિધિ સમજાવી.
થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો હતો, એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોત જોતામાં સોળ સોમવાર પુરા થયા અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યુ. એજ રાત્રે મહાદેવજી બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવીને કહ્યુ કે,
“હે રાજન ! તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. માટે હવે તુ એને જઈને તેડી લાવ. ”
રાજા તરત જ એને તેડવા માટે નિકળી પડ્યો. તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી.
રાજા રાણી પોતાના મહેલ તરફ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં પેલી પનિહારણ ફુટેલા માટલા સાથે રડી રહી હતી.
રાણીએ એને મંત્રેલો જળભરેલો ઘડો આપ્યો અને મહાદેવજી ના વ્રતનો મહિમા સમજાવ્યો.
આગળ જતાં ગાંગલી ગાંચણની ઘાંણી આવી. પણ એ ઘાંણીમાંથી તેલ નિકળતુ ન હતુ. રાણીએ આ વાત જાણી ઘાણી પર પવિત્ર જળનો છંટકાવ કર્યો અને તરત જ ઘાણી માંથી તેલ નિકળવા લાગ્યુ.
રાણીએ એને પણ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો અને આગળ વધ્યા.
આગળ જતા રસ્તામાં માલણની ઝુપડી આવી. માલણ કરમાયેલા ફુલોનો ઢગલો લઈને બેઠી બેઠી રડતી હતી. આ જાણીને રાણીએ ફુલો પર મંત્રેલા જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફુલો ખીલી ઉઠ્યા. માલણ રાજી રાજી થઈ ગઈ અને રાણી એ એને પણ મહાદેવજી ના વ્રતનો મહિમા સમજાવ્યો.
પછી રેંટીઓ કાંતતી ડોશીની ઝુપડીએ આવી પહોચ્યા. ત્યાં રાણીએ જાતે રેંટીયો ફેરવીને લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા.
પછી રાજા – રાણી મહેલમાં આવી પહોચ્યા અને આખા નગરને રાજમહેલ ના મેદાનમાં ભોજન માટે તેડાવ્યા. પરંતુ આખા ગામમાંથી એક કુંભારની સાસુ – વહું જમવા માટે આવ્યા નહિ. એ ભૂખ્યા હતા. રાણીએ એને તેડાવ્યા. એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા ગાયો અને સાસુએ “ મહાદેવજી – મહાદેવજી “ એમ કહી હોકારો આપ્યો.
આ ડોશી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પુરી થતાં જ આ ડોશી દેખતી અને સાંભળતી થઈ ગઈ.
રાણીએ કહ્યુ : “ માજી ! આ બધો મહિમા તો મહાદેવજીનો છે. “ તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ના સાંભળી પણ તમને એનુ ફળ મળી ગયુ. “
એ કુંભાર ડોશી અને એના દિકરાની વહુ એ પણ સોળ સોમવાર નું વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
ત્યાર પછી એક વર્ષ બાદ રાણીએ એક સુંદર કુંવરને જનમ આપ્યો. આ કુંવર યુવાન થયો અને રાજા રાણી ઘરડાં થયા એટલે રાજા રાણી આ રાજ કુંવરને રાજ્યની જવાબદારી સોંપી રાજ્યાભિષેક કરાવ્યો અને રજગાદી કુંવરને સોપી પોતે મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા.
હે મહાદેવજી. ! જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો.
નમઃ શિવાય ! નમઃ શિવાય ! નમઃ શિવાય !


No comments:
Post a Comment