આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે. જેઓ સોળ સોમવારનું વ્રત કરતાં હોય તેઓ આ વ્રત કરી શકે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ થી પરવારી મહાદેવની પુજા કરવાની હોય છે. ઘરે ભગવાનના નામનો દીવો કરવો. પછી આ વ્રતની કથા કહેવી તથા સાંભળવી. એ દિવસે એકટાણું કરવું.
વ્રતની વાર્તા :
એક રાજા હતો. એનું નામ ચિત્રસેન હતું. રાજા ભારે પરોપકારી હતો. અને ખૂબ સુખી હતો. એને માત્ર એક જ વાતનું દુખ હતું કે, એના ઘરે શેર માટીની ખોટ હતી. આથી રાજા રાણી બંને આખો દિવસ ઉદાસ રહેતા હતા.
પ્રધાને એક દિવસ સમય જોઈ રાજાને કહ્યું, મહારાજ ! આપે બીજા લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ આ રાજા ધાર્મિક વૃત્તિનો હતો એટ્લે એણે બધુ ભગવાન પર છોડ્યું. રાજા તો રોજ સવાર સાંજ ભગવાનને પ્રાથના કરતો કે, હે પ્રભુ આપ મારી આટલી અરજ સાંભળોં અને મારૂ આટલું દુખ દૂર કરો.
આ વાતની જાણ નારદજીને થઈ.
નારદજી જાણતા હતા કે રાજા ચિત્રસેન ને ભગવાન પર અપાર શ્રધ્ધા છે માટે નારદજી “ નારાયણ ! નારાયણ ! “ કરતાં રાજા ચિત્રસેનના દરબારમાં પહોચ્યા.
નારદજી આવ્યા એટ્લે રાજાએ એમનું સ્વાગત કર્યું આદર સત્કાર કર્યા અને પોતાના સિંહાસન પર બેસાડ્યા.
પછી નારદજીએ વિનમ્ર પણે રાજાને પૂછ્યું કે,
હે રાજન ! આટલું સુખ સૌભાગ્ય હોવા છતાં આપની ચિંતા નું કારણ શું છે? આપ મને જણાવો.
રાજાએ કહ્યું : “મુનિવર ! આપ તો સર્વજ્ઞ છો. આપને તો બધુ જ્ઞાત જ છે કે , આટલું મોટું રાજ્ય છે તમામ પ્રકાર ની સુખ સુવિધાઓ છે કોઈ વાતની મને ખોટ નથી પરંતુ મારા પછી મારી આ ગાદીને ભોગવનાર કોઈ જ નથી. બસ ! મને એની જ એક માત્ર ચિંતા થાય છે.”
નારદજીએ કહ્યું : “ એક ઉપાય છે રાજન ! “
રાજા કહે : “એ શું છે ? કૃપા કરી આપ મને જલ્દી થી બતાવો મુનિવર ! ”
રાજન ! આપ એક યજ્ઞ કરાવો. આ યજ્ઞ પૂરો થાય એટ્લે એની પ્રસાદી રાણીને આપજો. આ યજ્ઞના પ્રભાવથી રાણીને પુત્ર તો નહીં પરંતુ પુત્રીની પ્રાપ્તિ અવશ્ય થશે.
રાજાએ યજ્ઞ સાથે ખૂબ દાન પુણ્ય કર્યું અને યજ્ઞની પ્રસાદી રાણીને આપી. રાણીએ પણ ખુબજ શ્રધ્ધા પૂર્વક એ પ્રસાદી ગ્રહણ કરી અને રાણીને ચડતા દિવસો થયા. નવ માસ અને નવ દિવસે રાણીએ એક તેજસ્વી કન્યાને જન્મ આપ્યો.
રાજજ્યોતિષીએ કુંવરીની કુંડલી તૈયાર કરી. એનું ભવિષ્ય ભાખ્યું ને એનું નામ સિમંતિની પાડવાનું પણ સૂચવ્યું. અને રાજાને જણાવ્યુ કે આ કુંવરી ભાગ્યશાળી છે.
સિમંતિની હવે ધીરે ધીરે મોટી થવા લાગી ને શસ્ત્રોનો અભ્યાસ પણ કરવા લાગી. એમ કરતા કરતાં કુંવરી મોટી થઈ ને એના લગ્નની તૈયારીઓ થવા લાગી. પણ કોઈના મોઢે થી એને વાત જાણવા મળી કે એ ચૌદ વર્ષે વિધવા થવાની છે. આ વાત જાણીને કુંવરી તો હતાશ થઈ બેઠી.
એ દોડતી દોડતી યજ્ઞવલ્ક ઋષિ ની પત્ની મેત્રેયી પાસે ગઈ અને ખુબજ નમ્રતા થી કહ્યું :
“ માં ! મે એવા તે શું પાપ કર્યા હશે કે મારે આટલી નાની ઉમર માં વિધવા થવું પડે ? કૃપા કરી મને એ પાપો નું કઈક નિવારણ બતાવો. “
ઋષિ પત્ની કુંવરી ની હાલત સમજી ગયા અને એને ઊભી કરી ને કહ્યું :
“પુત્રી ! સૌભાગ્યનો દાતા તો ભગવાન ભોળોનાથ છે ! માટે તું ભોળાનાથ નું શરણું લે તારો. તું સોળ સોમવાર નું વ્રત કર. મહાદેવ ની કૃપા થી તારો ચૂડી ચાંદલો અમર રહશે. ”
આ સાંભળીને સિમંતિની રાજ માહેલમાં આવી. બીજા દિવસે સોમવાર હતો એટ્લે એને વ્રતની શરૂઆત કરી ને આખો દિવસ પોતાના સુહાગને કઈ જ ના થાય એ માટે પ્રાર્થના કરતી રહી.
કુંવરી સિમંતિનીએ થોડા જ સોમવાર કર્યા હતા ત્યાં તો એના લગ્ન ચિત્રાંગદ નામના રાજકુમાર સાથે થઈ ગયા. સિમંતિની પોતાના પતિ સાથે નૈષધ દેશ તરફ આગળ વધી. સાસરે ગયા પછી પણ સિમંતિની બાકી રહી ગયેલા સોમવારનું વ્રત પૂરી શ્રધ્ધા સાથે કરવા લાગી.
એક દિવસની વાત છે.
સિમંતિની અને તેનો પતિ ચિત્રાંગદ બંને જળ વિહાર કરવા જમના નદીના કિનારે આવ્યા છે. સાથે સાથે રાજકુમાર ચિત્રાંગદના મિત્રો પણ હતા. તેઓ કિનારે આવ્યા ત્યારે નૌકા પણ તૈયાર રાખવામાં આવી હતી. બધા નૌકામાં બેસી ગયા પણ સિમંતિનીએ બેસવાની ના પાડી. અને એના પતિને કહ્યું કે ,
“ હે નાથ ! મને લાગે છે કે થોડા જ સમયમાં પવનનું તોફાન શરૂ થશે, માટે તમે નૌકા વિહાર કરવાનું માંડીવાળો, તમારા મિત્રોને જવું હોય તો ભલે જાય. “
“મિત્રો ભલે તોફાન માં સપડાય અને હું ના જાઉં એમ ? તો તો મિત્રો મને સ્વાર્થી અને ડરપોક જ સમજે ને ! તારે ના આવવું હોય તો ના આવતી હું તો જવાનો. “
આમ કહી ચિત્રાંગદ તો નૌકામાં બેસી ગયો ને નૌકા આગળ ચાલવા માંડી. થોડી વાર થઈ કે તરત જ વાવજોડું ચાલુ થયું ને હોડી પાણીમાં ડોલવા લાગી. પાણી નો વેગ વધતાં હોડી ઊંધી વળી ગઈ ને હોડીમાં બેસેલા ચિત્રાંગદ ને એના મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા.
આ બધુ જોઈ કિનારે બેસેલી સિમંતિનીના આંખે અંધારા આવવા લાગ્યા. એને થયું કે હમણાં જ મારા સ્વામી જમાનાના જળમાં ડૂબી જશે.
હોડી ડૂબતાંની સાથે જ આજુ બાજુના લોકોમાંથી જે કુશળ તરવૈયાઓ હતા એ તેમને બચવા માટે તરત જ પાણીમાં કુદયા ને ખૂબ શોધવા છતાય કોઈ હાથમાં આવ્યું જ નહીં. આથી તેઓ નિરાશ થઈને કિનારે પાછા આવ્યા.
આ જોઈ સિમંતિની તો ચોધાર આંસુએ રડવા લાગી ને રડતાં રડતાં રાજ મહેલે પહોંચી. નગરમાં આ અમંગળ સમાચાર પ્રસરી જતાં બધા શોકાતુર બન્યા ને ચારે તરફ અરેરાટી ફેલાઈ ગઈ લોકો કહે આ શું થઈ ગયું આપણાં રાજ કુંવરને !
બીજી બાજુ, જ્યાં હોડી ઊંધી વળી ત્યાં એક નાગ કન્યા ઊભી હતી ને આ દ્રશ્ય નિહાળી રહી હતી. જમનાના જળ માં ડૂબતાં ચિત્રાંગદનો હાથ જાલી આ નાગ કન્યા પોતાની સાથે લઈ ગઈ. ચિત્રાંગદને લઈ આ નાગ કન્યા પિતા નાગરાજ પાસે ગઈ. અને કહ્યું કે,
“ હે પિતાજી ! મે આ જુવાનને પાણીમાં ડૂબતો બચાવ્યો છે. હવે એને સુરક્ષિત કિનારે પહોચતો કરવાની જવાબદારી આપની છે.”
નાગરાજે પુત્રીના કહ્યા પ્રમાણે ચિત્રાંગદના પગમાં પવન પાવડી પહેરાવી દીધી અને હુકમ કર્યો કે આ યુવાનને રાજ મહેલમાં મૂકી આવ.
પવન પાવડી ચિત્રાંગદને લઈને ઊડીને સીધા રાજ મહેલમાં લાવીને મૂક્યો. ચિત્રાંગદને હેમ ખેમ જીવતો સાજો ઘરે આવેલો જોઈ સૌ કોઈ રાજી રાજી થઈ ગયા.
ચિત્રાંગદે પોતે કેવી રીતે બચી ગયો. નાગ કન્યાએ કેવી રીતે તેને બચાવ્યો સર્વે વાત વિસ્તાર થી કરી.
સૌ કોઈને લાગ્યું કે, સિમંતિની મહાદેવજીનું સોળ સોમવારનું વ્રત કરે છે. તેથી શંકર પાર્વતિજીની કૃપાથી જ એનો ચૂડી ચાંદલો અમર રહ્યો છે.
પછી તો ચિત્રાંગદ પણ શંકર ભગવાનનું વ્રત કરવા લાગ્યો અને સિમંતિનીએ તો પોતાનું વ્રત કાયમ માટે ચાલુ જ રાખ્યું. અન્ય સ્ત્રીઓ પણ આ જોઈ પોતાના સૌભાગ્યના દિર્ગાયું માટે આ વ્રત કરવા લાગી. માટે જે કોઈ પણ સ્ત્રીઓ આ વ્રત કરશે તેને ભગવાનની કૃપા નું ફળ પ્રાપ્ત થશે. એના સૌભાગ્યની રક્ષા સ્વયં મહાદેવ કરશે અને એના બધા મનના મનોરથ પૂરા થશે.


No comments:
Post a Comment