વ્રતની વિધિ:
આ વ્રત શ્રવણ માસની અમાસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ થી પરવારી ગાય ને તુલસીનું પૂજન કરવાનું હોય છે. ત્યાર બાદ આ વ્રતની કથા વાર્તા સાંભળવામાં આવે છે. અને એ દિવસે વ્રત કરનારે ઉપવાસ કરવાનો હોય છે. આ દિવસે કોઈ પણ પ્રકારે લીલા રંગ ની વસ્તુ પહેરવી નહીં કે ખાવી નહીં.
*
વ્રતની વાર્તા:
એક ગામમાં એક બ્રાહ્મણ અને એની એક દીકરી બંને રહેતા હતા. બ્રાહ્મણ બિચારો સાવ ગરીબ પરિસ્થિતી માં જીવન વ્યતીત કરતો. પરતું આ બ્રાહ્મણની દીકરીને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા હતી. આ બ્રહમણની દીકરીએ ખુબજ શ્રદ્ધા પૂર્વક ગાય અને તુલસીમાતાનું વ્રત કરવા માંડ્યુ. પરંતુ આ વ્રત પુરુ થાય એ પહેલા જ એ માંડી પડી અને થોડા જ સમયમાં મરણ પામી.
મરણ પામ્યા બાદ આ દીકરીએ એક કોળીને ત્યાં જન્મ લીધો. પોતાના ઘરે આવી રૂપ રૂપના અંબાળ જેવી દીકરી નો જન્મ થયેલો જોઈ કોળી તો રાજી રાજી થઈ ગ્યો. એ દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી અને જેમ જેમ મોટી થવા લાગી એમ એમ એનું રૂપ પણ ખીલવા લાગ્યું. આવી રૂપાળી દીકરી ને કોળી સારી રીતે ઉછેરવા લાગ્યો
આમ કરતા કરતાં દીકરી ચૌદ વરસ ની થઈ અને એનું રૂપ સોળે કળાએ ખીલી ઉઠ્યું. એવામાં એક રાજકુમાર એ કોલીની ઝૂપડીએ આવી ચડ્યો એણે છોકરીને જોઈ તો એને થયું કે આ રંકને ઘેર આવું કીમતી રતન ક્યાથી ?
કુવર તો કોળીની ઝૂપડી પાસે ઊભો રહ્યો અને ઊભો ઊભો છોકરીને જોવા લાગ્યો.
ત્યાં કોળીએ ઝૂપડીમાથી રાજકુમાર ને જોયા એટ્લે એણે લાગ્યું કે મારૂ કઈક કામ હશે રાજકુમારને , કોળી ઝૂંપડી માંથી બહાર આવ્યો અને રાજકુમાર ને પૂછવા લાગ્યો :
“ બોલો રાજકુમાર ! મારે લાયક કઈક કામ સેવા હોય તો ફરમાવો “
રાજકુમાર બોલ્યો :
“ આ તારી કન્યા રાજ મહેલમાં શોભે એવી છે, એટલે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. “
કોળીએ કહ્યું :
“ પણ બાપુ ! ક્યાં અમે એક ગરીબ કોળી અને ક્યાં તમે ભવિષ્યના અમારા રાજા ! આપની વાત માન્યામાં આવતી નથી . આપ મારી મશ્કરી કરો છો કે કેમ ! “
રાજ કુમારે કહયુ : “ હું મશ્કરી નથી કરતો પણ સાચું કહું છું ”
કોળી તો રાજી રાજી થઈ ગયો અને કહ્યું “
“ તો પછી સૂર્યનારાયણ ની સાક્ષીએ હું તમારા લગ્ન કરવી આપું.
“ ભલે ! ”
અને કોળી એ પોતાની કન્યા ના લગ્ન રાજકુમાર સાથે કરવી આપ્યા
કુવર તો કોળીની છોકરી ને લઈને રાજ મહેલમાં ગયો.
કોળીની દિકરી અને કુંવર બન્ને રાજ મહેલમાં હવે સુખેથી દિવસો વિતાવા લાગ્યા.
એક દિવસની વાત છે. “
આ રાણી તળાવને કાંઠે ફરવા ગઈ છે. ત્યા આગળ કેટલીક સ્ત્રીઓ “ગાય તુલસી વ્રત” કરી રહી હતી. આ જોઈ એને આગલા ભવનુ અધુરુ રહી ગયેલુ વ્રત યાદ આવ્યુ પણ એને વ્રતની વિધિ યાદ આવતી ન હતી. આખરે આ રાણી એ સ્ત્રીઓ પાસે ગઈ અને આ વ્રતની વિધિ પુછવા લાગી.
એટલે એ સ્ત્રીઓએ વ્રતની વિધિ સમજાવતા કહ્યુ કે,
“ રાણી જી ! પહેલા તો ત્રીસ સેરવાળો સુતરનો પીળા રંગનો દોરો લેવો જોઈએ. અને એને ત્રીસ ગાંઠો વાળવી. પછી એ દોરો પોતાના ગળામાં ધારણ કરવો. ત્યાર બાદ ગાય અને તુલસી માતાનું સ્મરણ કરી ગાય તુલસી વ્રતની કથા કહેવી. આ કથા કોઈ સાંભળનાર ના હોય તો તુલસીક્યારે દીવો કરી તુલસી માતા ને વ્રતની વાર્તા સંભળાવવી. એ દિવસે લીલી વસ્તુ ખાવી નહિ કે પહેરવી નહી. “
વ્રતની વિધિ જાણીને રાણીએ વ્રત ચાલુ કર્યું. પણ રાણી ની સાસુને આ ના ગમ્યું. એણે રાણીનું વ્રત તોડાવવા માટે એને લીલા રંગના કપડા પહેરવા મોકલ્યા. ભોજનમાં પણ લીલા રંગનું શાક બનાવવા માટે હુકમ કર્યો.
પણ રાણી બુધ્ધિમાન હતી. એને કપડા કે ખાવા કરતાં વ્રત વધારે વહાલુ હતુ. માટે રાણીએ લીલુ શાક જમીન માં ડાટી દીધુ. લીલા કપડાં પણ ન પહેર્યા અને છાશ સાથે રોટલો ખાઈને દિવસ પસાર કર્યો.
એટલે આ રાણીને ગાય તુલસી વ્રત ફળ્યુ. રાણીને ચડતા દિવસ થયા અને પાંચ મહિના થયા એટલે રાણીએ એની સાસુને સમાચાર આપ્યા.
આથી રાણીની સાસુએ તેને કચવાતા મને રક્ષા બાંધી. સાતમા મહિને રાણીએ સાસુને ખોળો ભરવાનું કહ્યુ, એટલે સાસુ મોઢું ચડાવીને બબડી :
“ કોળીની છોકરી મારા ઘરમાં રાણી થઈને બેઠી છે, ને વળી ખોળા ભરવાના ઉમળકા શેના ? “
અમારી મરજી ! અમારે ખોળા ભરવા હોય તો ભરીએ અને ના પણ ભરીએ.
છતાં પણ, સાસુએ સમાજના ડરથી મને ક મને ખોળામાં શ્રીફળ અને ચોખા નાખીને ખોળો ભર્યો.
નવ માસ અને નવ દિવસ થયા એટલે રાણીએ સરસ મજાના દિકરાને જન્મ આપ્યો.
પણ રાણીની સાસુને તો આ જરાય ગમ્યુ નહિ અને સાથે સાથે રાણીની છ શોક્યો (સોતન) હતી. એમને પણ ગમ્યુ જ નહિ. અને આ રૂડા ફુલ જેવા કુંવરને જોઈને બધી ઈર્ષા કરવા લાગી.
રાણીની સાસુએ એક અંગત દાસી જોડે રાજાને સમાચાર મોકલ્યા કે, રાણીને તો સૂંથિયુ અવતર્યુ છે.
રાજા કહે : “ હશે ! જેવી મારા વ્હાલાની મરજી .”
રાજા બીજુ કહે પણ શું?
સાસુએ એ દાસી પાસે રાણીના કુંવરને ચોરાવી પોતાની પાસે મંગાવ્યો. નવજાત કુંવરને સાસુએ એક પહાડ પરથી ગબડાવી મુક્યો.
પણ જેને રામ રાખે એને કોણ ચાખે ?
પહાડ પરથી નીચે ગબડાવી મુકેલા કુંવરની રક્ષા ખુદ ગાયમાતા અને તુલસીમાતા કરતાં હતા. એટલે પહાડ પરથી ગબડાવી મુકેલો કુંવર સીધો નીચે ઉગેલા ઘાસમાં પડ્યો. ત્યાં એક સુથારની દિકરી ગાય તુલસી વ્રત કરવા આવેલી. કુંવર પર નજર પડતાં જ આ દિકરીએ તેને ઉચકી લીધો. અને પોતાના ઘેર લઈ ગઈ.
ઘરે જઈને એની માને કહેવા લાગી :
” મા ! મા ! જો, હું મારા માટે એક નાનકડા ભાઈને લાવી છું. “
”ભાઈ વળી કેવો ? કોનો છોકરો તું ઉપાડી લાવી છે? મારે તો કોઈનો છોકરો ના જોઈએ. “
” મા ! ભાઈ તો મને ગાય માતા ને તુલસીમાતા એ આપ્યો છે. હું પહાડની તળેટીમાં વ્રત કરવા ગઈ હતી ત્યાથી મને મળ્યો છે. મારે ભાઈ નથી એટલે હું તો એને મારી જોડે જ રાખીશ ને ખુબ વ્હાલ કરીશ. “ છોકરીની માને પણ આ કુંવર પર ખુબ જ વ્હાલ આવ્યુ. ને એ તો છોકરાને રમાડવા પાછળ ગાંડી ગાંડી થઈ ગઈ. અને જાણે પોતાનો સગો દિકરો હોય એમ એને રાખવા લાગી.
સુથાર પણ એને સવારે રમાળીને જાય સાંજે કામેથી આવીને પોતાના સગા દિકરાની જેમ એને રમાળે. એના માટે અવનવા લાકડાના રમકડાં બનાવી આપે. ને આ બાળક આ રમકડાં રમતાં રમતાં ધીરે ધીરે મોટો થવા લાગ્યો. ને કાલી ઘેલી ભાષામાં બોલવા પણ લાગ્યો.
એક દિવસની વાત છે. આ સુથારે આ છોકરાને એક લાકડાનો ઘોડો બનાવી આપ્યો. આ ઘોડાને દોરી બાંધી એ બાળક તળાવે પાણી પીવડાવા લઈ ગયો. ત્યાં રાજાની છ એ રાણીઓ બેઠેલી હતી.
બાળકે લાકડાના ઘોડાને પાણીમાં નમાવ્યો અને કહેવા લાગ્યો :
” ચાલ ઘોડા ! પાણી પી ! “
આ સાંભળીને રાણીઓ હસી પડી. એક રાણી કહે,
“ અલ્યા ! આવી અક્કલ વગરની વાત કેમ કહે છે ? આ લાકડાનો ઘોડો તે કાંઈ પાણી પીવે ખરો ! ”
છોકરાએ વળતો જવાબ આપ્યો કે,
“ જો લાકડાનો ઘોડો પાણી ના પીતો હોય તો શું રાજાની રાણીને સૂંથિયુ આવતુ હશે ? “
આ વાત સાંભળીને બધી રાણીઓ તો ભારે ગુસ્સે થઈ ગઈ.
રાણીઓએ તો મહેલમાં જઈને રાજાને ફરિયાદ કરી કે સુથારનો છોકરો અમને મેણા મારે છે. એટલે અમારે આ ગામમાં રહેવુ નથી. “
રાજાએ સિપાહિઓને મોક્લ્યા ને એ સુથારના છોકરાને પકડી લાવ્યા અને એક ઓરડામાં પુરી દિધો.
એ દિવસે જમણવારો હોવાથી એ છોકરાને પિરસવા માટે બહાર કાઢ્યો,
રસોડામાં હારબંધ પાટલા નખાયા એની પર છએ રાણીઓ બેસી ગઈ અને સાતમી રાણી કોળણ ને સાસુએ જરક દુર બેસાડી.
રાજા પણ રાણીઓ સાથે જ જમવા બેઠો હતો.
પેલો છોકરો પિરસતો પિરસતો કોળણ રાણી પાસે આવ્યો. એ તો એની મા હતી. એટલે દિકરાને જોઈ એને કુદરતી રીતે જ વ્હાલ આવ્યુ. એના કમખાની કસ તુટી ને ધાવણની સેસ છૂટી ને સીધી એ બાળક ના મો માં જઈને પડી.
આ દ્ર્શ્ય જોઈ રાજા નવાઈ પામ્યો.
રાણી તો ઉભી થઈને તરત જ પેલા છોકરાને ભેટી પડીને કહેવા લાગી. :
”આખરે ગાય અને તુલસી વ્રત ફળ્યુ ને આપણને મા – દિકરાને ગાય તુલસી માતા એ ભેગા કરી આપ્યા ખરા ! ”
આમ, રાજાને પોતાની મા અને છએ રાણીઓ એ કરેલા કપટની જાણ થઈ અને બધાએ પોતાની ભુલ કબુલી પણ ખરી. ને એવામાં સુથારની છોકરી આવી ને કહેવા લાગી :
” મને મારો ભાઈ પાછો આપો ! મને મારો ભાઈ પાછો આપો ! “
રાજા કહે :
” દિકરી ! તને આ તારો ભાઈ ક્યાંથી મળ્યો હતો ? “
પછી એ સુથારની દિકરીએ રાજા સમક્ષ માંડીને બધી વાત કરી.
સાથે સાથે રાજાએ અને છ એ છ રાણીઓએ આ સુથારની દિકરી જોડેથી ગાય તુલસી વ્રતની વિગત જાણી.
ત્યાર બાદ છ એ રાણીઓએ આ વ્રત કર્યુ ને છ એ રાણીઓ ને પુત્ર પ્રાપ્તી થઈ. સાસુના હરખનો પાર રહ્યો નહિ અન કોળણ રાણીના માન સન્માન પણ વધી ગયા.


No comments:
Post a Comment